લગ્ન પહેલાં મન ભાવિ પાર્ટનર અને પ્રથમ મિલનની અનેક સુંદર કલ્પનામાં રાચે છે. મનનું કામ જ કલ્પના કરવાનું છે.
લગ્ન પહેલાં મન ભાવિ પાર્ટનર અને પ્રથમ મિલનની અનેક સુંદર કલ્પનામાં રાચે છે. મનનું કામ જ કલ્પના કરવાનું છે પણ જરૂરી નથી કે દરેક કલ્પના વાસ્તવિક જીવનમાં સાકાર થાય. જ્યારે સપનાંની દુનિયાથી અસલ જિંદગી અલગ હોઈ છે ત્યારે વાસ્તવિક જીવનમાં ટકરાવ શરૂ થઇ જાય છે. ખ્યાલોની દુનિયામાં રહેવાથી પતિ કે પત્ની બંને પાર્ટનરને એ જ સ્વરૂપમાં જોવા ઇચ્છે છે જે રૂપરંગ તેની કલ્પનામાં હોય છે અને જો તે પ્રમાણે પાર્ટનર ન હોય તો તેમાં ચેન્જીસ લાવવા માટે પ્રયત્ન કરે છે. સામેવાળી વ્યક્તિમાં તે બધું જ ચેન્જ કરી દેવા ઇચ્છે છે જે તેમને મંજૂર ન હોય. જો કે આ પરિસ્થિતિ સંબંધોમાં સંઘર્ષ ઉત્પન્ન કરે છે. આજે અમે તમને જણાવીશું ફેન્ટસી અને રિઆલિટી બંને એકબીજાથી અલગ હોય તો શું કરવું...
સ્વભાવ
શક્ય છે કે કોઈ વ્યક્તિનો સ્વભાવ તમારી કલ્પના અનુસાર ન હોય તો તમે તેને તમારા સ્વભાવ અનુસાર બદલી ન શકો, માટે ક્યારેય તમારા જીવનસાથીનો સ્વભાવ બદલવાની કોશિશ ન કરો. જો તમારે તમારા જીવનસાથી સાથે તમારી સંપૂર્ણ જિંદગી વિતાવવી હોય તો એ જેવો છે તેવો જ એને સ્વીકારવાનો પ્રયાસ કરો. બદલાવ પ્રકૃતિનો નિયમ છે. સમય સાથે દરેક વસ્તુઓ બદલાતી હોય છે, પરંતુ કોઈ વ્યક્તિનો સ્વભાવ ક્યારેય બદલાતો નથી. જો તમારા જીવનસાથીનો સ્વભાવ તમારાથી બિલકુલ અલગ હોય તો તેને બદલવાના બદલે એનો એવી રીતે જ સ્વીકાર કરો.

મનમાં રંજ ન રાખો
સપનાંનો ભરથાર અને વાસ્તવિક સાથીની તસવીરમાં જમીન આસમાનનો તફાવત હોય ત્યારે કોઈ મોટું સપનું તૂટયું હોય એટલું દુઃખ કરવાની જરૂર નથી. બસ જરૂર છે ખામીને બાદ કરીને તેની સારી વાતો જાણવાની. જો તમારો જીવનસાથી કે જીવનસંગિની તમારી કલ્પનાથી સાવ વિપરીત હોય તો મનમાં તેનો રંજ રાખીને આખી જિંદગી કાઢી શકાય નહીં, માટે મનના રંજને બહાર કાઢીને આ સંબંધને પ્રેમથી સીંચો. સંબંધને થોડો સમય આપો, બધું આપોઆપ મધુર બની જશે.

સહર્ષ સ્વીકારો
મોટાભાગે યુવતીઓ પોતાના પતિમાં પોતાના પિતાની છબિને શોધતી હોય છે, કારણ કે તે તેના પિતાના વ્યક્તિત્વથી અતિશય પ્રભાવિત હોય છે. એવી જ રીતે યુવકો પણ પોતાની પત્નીમાં તેની માતાના સ્વભાવને શોધતા હોય છે, પરંતુ તેઓ એ નથી જાણતા કે જીવનમાં કોઈ પણ વ્યક્તિ એકસરખી નથી હોતી તો પછી કોઈ પણ છોકરા અથવા છોકરીને તેમનાં માતા-પિતા જેવા વ્યક્તિત્વની હમસફર મળવી કેવી રીતે શક્ય બને? એટલે જરૂરી છે કે જીવનના આ નાવીન્યનો સહર્ષ સ્વીકાર કરો.

દેખાવ
જ્યારે લગ્નની વાત આવે ત્યારે દુનિયાની મોટાભાગની યુવતીઓ પોતાના પતિના દેખાવને વધુ મહત્વ આપતી હોય છે અને અન્ય મહત્વની બાબતોને નજરઅંદાજ કરતી હોય છે. કોઈ પણ વ્યક્તિનો દેખાવ નહીં, પરંતુ તેનો સ્વભાવ અને લોકો સાથેનો તેનો વ્યવહાર વધુ મહત્વ ધરાવતો હોય છે. જો કોઈ વ્યક્તિનું રૂપ સારું હોય પરંતુ તેનો વ્યવહાર અને સ્વભાવ સારો ન હોય તો એવી વ્યક્તિને કોઈ પસંદ નથી કરતું. જીવનની ગૃહસ્થીને સફળતાપૂર્વક પાર પાડવા માટે દેખાવ નહીં પરંતુ સારો વ્યવહાર જરૂરી હોય છે. કોઈ પણ વ્યક્તિને તેના દેખાવ ઉપરથી નહીં, પરંતુ તેના વ્યવહાર ઉપરથી જાણવાનો પ્રયાસ કરવો જોઈએ.

ખામીઓની ચર્ચા ન કરો
દરેક વ્યક્તિમાં કોઈ ને કોઈ ખામી હોય છે, પરંતુ તેની વારંવાર ચર્ચા કરી સંબંધોમાં કડવાશ ઘોળવા કરતાં જીવનને પ્રેમથી જીવવું વધુ હિતાવહ છે. ઘણી સ્ત્રીઓ ફિલ્મો જોઈ અથવા કોઈ કહાની વાંચીને તેનાં પાત્રોથી એટલી પ્રભાવિત થઈ જતી હોય છે કે એ પાત્રની સરખામણી પોતાના પતિની સાથે કરવા લાગતી હોય છે. જો પતિ એ પાત્રથી તદ્દન અલગ વ્યક્તિત્વ ધરાવતો હોય તો તેની ખામીઓ ગણાવા લાગતી હોય છે. વધુ પડતા કાલ્પનિક અથવા ફિલ્મી સ્વપ્નોમાં ખોવાઈ જવાની જગ્યાએ વાસ્તવિક જીવનમાં કોઈ વાદવિવાદ અને અપેક્ષાઓ રાખ્યા વિના જીવન જીવવામાં આવે તો તે આનંદથી જીવી શકાય છે.
 
કોઈ પરફેક્ટ નથી
દુનિયામાં કોઈ પણ વ્યક્તિ પરફેક્ટ નથી હોતી. આપણો જોવોનો દૃષ્ટિકોણ જ વ્યક્તિને પરફેક્ટ અને ઇમપરફેક્ટ બનાવે છે. આ એક નક્કર હકીકત છે. જીવનમાં આપણને જે જોઈતું હોય છે તે શક્ય છે ઘણી વાર આપણને ન પણ મળે અને જે મળે છે તે આપણને ગમતું નથી. ત્યારે આવી માનસિકતા સાથે તમે બની શકે કે પ્રેમાળ સાથી સાથે જસ્ટિફાય ન કરી શકો. જીવનમાં બધું જ આપણને ગમતું હોય એ જરૂરી નથી, ક્યારેક થોડું એડજસ્ટમેન્ટ પણ કરવું પડે છે. જે રીતે તમે તમારા દૃષ્ટિકોણથી સામેવાળી વ્યક્તિને તમારા પરફેક્શનના માપદંડોમાં આંકતા હોવ છો એવી જ રીતે સામેવાળી વ્યક્તિ પણ તમને આંકતી હોય છે. બની શકે કે તમે પણ એમના માપદંડોમાં પરફેક્ટ ન હોવ. દરેક વ્યક્તિમાં કોઈ ને કોઈ કમી તો હોય છે, બસ જરૂર છે ખુલ્લા દિમાગથી આ વાતને સમજવાની.
Axact

365daysmasti

Android, Internet Tricks, PC, Computer tips, job requirement, life style, Internet, web design, earn money,ios tricks, wordpress, windows, smart phone

Post A Comment:

0 comments:

Note: only a member of this blog may post a comment.